Menu
 • News paper
 • Video
 • Audio
 • CONTACT US
 • Uday Dedhia   19 May 2018 3:56 PM

  ગિરનાર તીર્થના દેરાસરનો જીણોદ્ધાર

    વાત 900 વર્ષ પહેલાંની છે. ત્યારે પાટણમાં રાજા સિદ્ધરાજનું સામ્રાજ્ય ચાલતું હતું. સિદ્ધરાજે વિ. સં. 1170 માં સોરઠ દેશ ઉપર ચઢાઈ કરીને રા'ખેંગારને હરાવી લીધો. ત્યારબાદ સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રના દંડનાયક તરીકે નીમવામાં આવ્યો. 

               એક વાર સજ્જન મંત્રી ગિરનાર તીર્થની યાત્રા કરવા જાય છે , ત્યારે ત્યાંના જીર્ણ થયેલા દેરાસરો જોઈને ખૂબ દુઃખી થાય છે. રાજા સિદ્ધરાજની હકુમતમાં જિનલયોની આવી હાલત ! તેનું અંતર કકળી ઉઠ્યું ! એ સમયે રાજગચ્છના સદા એકાંતરે ઉપવાસ તપની આરાધના કરતાં આચાર્ય ભદ્રેશ્વરસૂરિના ઉપદેશથી સજ્જન મંત્રીએ જીર્ણ હાલતમાં રહેતા કાષ્ઠના બનેલા શ્રી નેમિનાથ પરમાત્માના મુખ્ય જીનાલયનો પાયામાંથી જિણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો... 

                શુભ મુહૂર્તે જિણોદ્ધારનો પ્રારંભ થયો. કુશળ કારીગરો પોતાની કળાનો કસબ દેખાડવા લાગ્યા. ખંડેર બની ગયેલા મંદિરો મહેલ જેવા બનવા લાગ્યા. સજ્જન મંત્રી પોતાની સર્વ શક્તિ જિનાલયના નિર્માણ પાછળ જોડી રહ્યા હતાં. સજ્જન મંત્રીને જિણોદ્ધાર માટે આવશ્યક ધનની ચિંતા હતી. સોરઠ દેશની આવક જે રાજભંડારમાં જમા કરવાની હતી તે 3 વર્ષની આવકને આ જિણોદ્ધારના કામમાં લગાવી અવસરે સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી તે રકમ એકઠી કરી રાજભંડારમાં ભરી દેવાશે એવો નિર્ણય કરી રકમ 72 લાખ દ્રમ્મની રકમ જિણોદ્ધાર કાર્યમાં જોડી લીધી. 

           રાજા સિદ્ધરાજને ખબર પડી કે 3 વર્ષથી સજ્જન મંત્રીએ સોરઠ દેશની આવકની એક કોડી પણ રાજ ભંડારમાં જમા કરાવી નથી. રાજા સિદ્ધરાજ સ્વયં જૂનાગઢ જઈને રાજ વહીવટનો હિસાબ લેવા તત્પર બન્યા. બાહડ મંત્રીએ આ સમાચાર જૂનાગઢ સજ્જન મંત્રીને પહોંચાડ્યા. સોરઠ દેશની આવક કેવી રીતે ભરવી તેમાં સજ્જન મંત્રી લાગી ગયો. મહાજનને એકઠું કરીને ગિરનાર જિણોદ્ધારની અંગેની રકમની વાત વહેતી મૂકી , ફાળાની રકમ નોંધવા માટે પડાપડી થવા લાગી. એક માણસ સજ્જન મંત્રીની સમીપ પહોંચ્યો , અને સજ્જન મંત્રીને કહ્યું કે 3 વર્ષની મામૂલી રકમ માટે શા માટે ટીપ કરવો છો ? કૃપા કરીને આ લાભ મને જ લેવા દો. સજ્જન મંત્રી 2 ક્ષણ આભા બની ગયા , પુછ્યું ભાઈ તમારું નામ શું છે ? ભીમ સાથરીયો.... આ ગરીબડાને 2 પૈસા પુણ્ય કમાવાની તક આપશો તો મારું જીવન ધન્ય બની જશે. ભીમ સાથરીયાના જિણોદ્ધાર માટેની રકમના વચનને લઈને સજ્જન મંત્રી જૂનાગઢ જાય છે. 

            રાજા સિદ્ધરાજ જૂનાગઢ પધારે છે. મહારાજ ! રાજની આનાપાઈનો હિસાબ તૈયાર જ છે , આપ થોડો વિશ્રામ કરી લો. દિવસ દરમ્યાન નગરજનોના સ્વમુખે સજ્જન મંત્રીની કાર્યકુશળતા અને રાજવહીવટની મુક્ત મને પ્રસંશા સાંભળી , સાથે સજ્જન મંત્રીએ કરાવેલ જિણોદ્ધારની વાતો સાંભળતાં જ ઢળતી સંધ્યાએ મહારાજા મંત્રીને બોલાવી પ્રભાતે ગિરનાર ગિરિવર આરોહણ કરવાની પોતાની ભાવના વ્યક્ત કરી. 

                   પ્રભાતે મહારાજા અને મંત્રી ગિરિ આરોહણ કરી રહ્યા છે , તે અવસરે શિખર પર શોભતા દેરાસરો અને ગગનને આંબવા મથતી ધજાઓ જોઈને પૂછે છે કે " કયા ભાગ્યવાન માતા પિતા છે ? જેના સંતાનોએ આવા સુંદર દેરાસરોની હારમાળાનું સર્જન કર્યું છે ? ત્યારે મંત્રી બોલે છે કે આપના જ પુજ્યના માતા પિતાનું જ તે સૌભાગ્ય છે કે , આપ જેવા મહાપુણ્યશાળીના પ્રતાપે આવું જાજવલ્યમાન સર્જન થયું છે. 

                   સોરઠદેશની 3 વર્ષની આવક આ જિનાલયના નવસર્જનમાં વપરાયેલ છે જેના પ્રતાપે આ મંદિરો મન મોહી રહ્યા છે. " કર્ણપ્રસાદ " નામના આ જિનાલયથી ગિરનારની શોભામાં વૃદ્ધિ થયેલ છે જે આપના પિતાની સ્મૃતિને ચીરકાલીન બનાવવા સમર્થ છે , છતાં આપ સ્વામીને 3 વર્ષની આવક રાજ ભંડારમાં જમા કરવી હોય તો આનાપાઈ સાથે તે રકમ ભંડારમાં જમા કરવા માટે નજીકના વણથલી ગામનો શ્રાવક ભીમ સાથરીયો એકલો તે રકમ ભરવા તૈયાર છે. અને જો જિણોદ્ધારનો ઉત્કૃષ્ટ લાભ લઈ આત્મભંડારમાં પુણ્ય જમા કરાવવાની તૈયારી હોય તો તે વિકલ્પ પણ આપણે માટે ખુલ્લો જ છે. 

                    સજ્જન મંત્રીના આ વચનો સાંભળી મહારાજ સિદ્ધરાજ તેના ઉપર ઓવારી જાય છે અને કહે છે કે , " આવા મનોરમ્ય જિનાલયનો લાભ મળતો હોય તો મારે તે 3 વર્ષની આવક સાથે કોઈ નિસ્બત નથી. મંત્રીશ્વર ! તમે કમાલ કરી છે . તમારી બુદ્ધિ , વફાદારી અને કાર્ય પદ્ધતિ માટે મારા હૃદયમાં ભારોભાર બહુમાન ઉપજી રહ્યું છે. " 

                  આ તરફ મંત્રીશ્વરના વાવડની રાહ જોતાં ભીમો સાથરીયો બેચેન બન્યો. હજુ સજ્જન મંત્રીના કોઈ સમાચાર કેમ ના આવ્યા. તેણે જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું ,  સજ્જન મંત્રીને જિણોદ્ધાર માટેની રકમ માટે કોઈ સમાચાર ન આવવાનું કારણ પૂછ્યું. સજ્જને હકીકત જણાવતાં ભીમાને સખત આઘાત લાગ્યો. હાથમાં આવેલી પુણ્યની તક ઝૂંટવાઈ જવાથી તે બે ક્ષમ અવાચક બની ગયો. પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તે કહે છે કે " મંત્રીશ્વર ! જિણોદ્ધારના દાન માટે કલ્પેલી રકમ હવે મારે કોઈ ખપ નથી. આપ આ દ્રવ્યનો સ્વીકાર કરી તેનો યોગ્ય ઉપયોગ કરજો. 

             વણથલી ગામ ભણી વળતાં પગલાં ભરતાં ભીમ સાથરીયાના ધનના ગાડાઓ સજ્જન મંત્રીને આંગણે આવી આવ્યા. સજ્જને આ રકમ માંથી હાલનાં મેરકવશી નામના જિનાલયનું અને ભીમ સાથરીયાની ચીરકાલીન સ્મૃતિ અર્થે શિખરના જિનાલયોની સમીપ ભીમકુંડ નામના એક વિશાળ કુંડનું નિર્માણ કરાવ્યું હતું. 

              નેમિનાથ દાદાના મુખ્ય જિનાલયનો જિણદ્ધાર વિક્રમ સંવત 1185 માં જ થયો હતો.


  STAY CONNECTED

  FACEBOOK
  TWITTER
  YOUTUBE